Saturday, May 19, 2012

તાત્કાલિક જોઈએ છે: એક દોષીત

હિચકારું આ  કૃત્ય
એ  કરી જ  કેવી રીતે શકે?
સગી દીકરીને
બાપ થઈને
એ  જ્યાંત્યાં
અડે ને
પાછો એવું કહે કે 
"તને પેદા કરવા પુરતો 
બાંધ્યો'તો તારી માં સાથે સંબંધ.
હવે તો તું સાસરે ન  જાય ત્યાં સુધી
તું છે જ  ને મારે માટે. 
ને પછી  ઈશ્વર કરે ને
તને પણ એક બેટી આવે 
ને એ  રમવા આવે રોજ એના દાદાને ઘર.
નવી ઘોડી ને નવો દાવ"  

જાનવર સાલો!
લોહી ઉકળી ગયું મારું તો
દીકરીને તો મૂકી નહિ
ને હજી જે જન્મીય  નથી
એના ખ્વાબ  જોવા બેઠો છે!
ખુલ્લી તલવાર લઇ ને દોડ્યો હું તો
એક  ઝાટકે ઉડાવી દીધું
એ  પાપિયાનું
મસ્તક!
કેટલાય હર્ષનાદો ઉછળ્યા
મારી સામે એ  લોહીના ફુવારાની સાથે સાથે. 
***
પણ  પાછળ ફરીને
આ  શું જોઉં છું?
હજારો લોકો 
દોડ્યા આવે છે
પોત પોતાની
ખુલ્લી તલવાર  લઈને જ તો.
"ખૂની ખૂની" 
ના પોકારો સાથે.
એ  વાતથી બિલકુલ  અજાણ કે 
એમનીય  પાછળ 
દોડ્યા આવે છે 
બીજા લાખો લોકો! 
એ લોકોની તલવારો હજી મ્યાનમાં છે -
જો કે નીકળવા એટલી જ  આતુર
જેટલી અમારી હતી! 


નોંધ : સત્યમેવ  જયતે પછી મોટાભાગ ના લોકો એક  વિલનની શોધમાં હોય છે  કે જેના પર  દોષ નો ટોપલો ઢોળી શકાય. જેને આકરી માં આકરી સજા દેવા પણ તત્પર રહે છે એવા લોકો. વાતના મૂળ સુધી જાય એ બીજા. એ સર્વોને આ કાવ્ય અર્પણ. એવું જ વલણ રહ્યું તો સત્યમેવ જયતેની કોઈ ખાસ અસર થશે નહિ એ પણ નક્કી. 

Friday, May 11, 2012

અવળચંડા ફૂલો

આગળ પાછળના સંદર્ભ વિના જેનું ધડ-માથું ન મળે એવી કવિતા લખવાની આ ખોટી આદત પડી છે! એ વેઈવેઈ અને એના કામ વિષે થોડું જાણ્યા વગર આ કવિતામાં મજા નહિ આવે! એ વેઈવેઈને ન ઓળખાતા હો તો એમની ઓળખાણ મને જેમણે કરાવી એ મિત્ર ઋતુલના બ્લોગ  ચરખો પર જઈ એ વેઈવેઈ વિષેની રસપ્રદ પોસ્ટ  પહેલા વાંચી આવવા ખાસ ભલામણ છે. ____________________________________________

બધા ફુલોથી
સાવ અવળું
ને મૂળ વાત તો એ કે
સુરજથીય
મોં ફેરવીને ઉઘડ્યું છે
એક સૂરજમુખીનું ફૂલ.


માળીનું ચસકી ગયું હશે
એવું લાગે ક્યારેક.
કાલે કહેતો હતો,
"રાષ્ટ્રીય રેડીઓ પર
રમુજી કાર્યક્રમ
ન આવતો હોય
ત્યારેય
એ ફૂલ
મનફાવે ત્યારે
હસતું રહે છે -
ઉભા ખેતરે.
બીજા બધા રડતા હોય તો પણ.
ને ક્યારેક તો,
કશી વાત ન હોય તોય
મરકતું રહે છે
એને જ તાકી રહેલા
બીજા બધ્ધાં ફૂલોના ટોળા સામે".


માળી સાચો હોય  કે ન હોય
એને
સુરજમુખીતો શુ
ફૂલ પણ ન કહેવાનું
ફરમાન જારી કરો -
આજે જ!


તોય ન સમજે તો
એને પોતાના
સ્થાનેથી એક તસુ
પણ ચસકવાની
રજા ન આપશો.
ને પૂછો એને
એના મલકાટનો
મતલબ.
 ***
એકાદ
મ્યુટેશન હશે?
કે થઇ  હશે એ  જ  'ભૂલ' 
ફેક્ટરી જેવી ચોકસાઈથી
એ વેઈવેઈથી એના ઘાટ માં?     
ખેતરે-ખેતરે
વેરાઈ ચુક્યા છે જે 
'સુરજમુખી'ના
કરોડો બી!

(શબ્દાર્થ: મ્યુટેશન = ઓચિંતો અને દેખીતા બાહ્ય સંચાર વિના આવતો ફેરફાર)