Wednesday, May 2, 2012

એક હિજરતીની ગુંચવણ

મરવાની કુણી ખટાશ 
ગરમાળાની  ધમરક  પીળાશ
ઉનાળુ રાતની અગાશીય  ઠંડક
કેવી હતી? 
આછી-પાતળી પણ 
યાદ નથી આવતી
હવે તો.

વિશેષણો કવિતાઓમાં
વાંચ્યા હતા એટલે મુક્યા છે. 
એ  ખટાશ, પીળાશ  કે ઠંડક
સાચ્ચે જ  યાદ  નથી આવતી. 
ધારું છું,
આ  સ્ટ્રોબેરીથી ખાટી, 
આ  ડેફોડીલથી પીળી,
આ  સેન્ટ્રલાઇઝ્ડ એસીથી ઠંડી,
તો નહોતી જ.

પગ  નીચેથી જનમ-ભોમકા
સરી જાય
માથા ઉપરથી પતંગ-આકાશ 
હટી  જાય
આંખ  ખુલે એ  પહેલા આતમ  સાત  દરિયા 
વટી જાય
ત્યારે મારે બીજું ધારવુંય   શું?
***
ને સાંભળ્યું છે ત્યાં સુધી
હવે તો દેશમાંય
મરવો બાજુના ક્રેટમાં પડેલ  સ્ટ્રોબેરીને
કોઈ ન  જુએ  એમ  ચાખી લે છે. 
ગરમાળો પગ તળે ઉગેલ ડેફોડીલને
ત્રાંસી નજરે નીરખી લે છે.
ને અગાશી ઉપર  સ્પ્લીટ એસીનું અડધિયું
રાત આખી હાંફતું હોય છે!

શબ્દાર્થ: મરવો = નાની કાચી કેરી
નોંધ: Nostalgia પર ઘણી કવિતાઓ લખાઈ છે અને લખાતી જ રહેવાની પણ ઘણેભાગે એ કાવ્યો બે પ્રકારના વિદિત ઝુરાપામાં થી કોઈ એક ને જ અંગે હોય છે.  Nostalgia ની બે અર્થચ્છાયા છે: એક તો ઘરની ઝંખના અને બીજી ભૂતકાળના કોઈ  સમય/સમયોની ઝંખના (ગુજરાતી લેક્સિકોન). અહી બંને પ્રકારના ઝુરાપા સંગાથે પ્રયોજવાનો પ્રયત્ન છે.  






4 comments:

  1. Lovely poem Amit. You have very nicely and poetically captured the dilemma of an immigrant. I think KavyaShala is doing vey well.

    ReplyDelete
    Replies
    1. Thank you Panchambhai. Your encouraging words in these early attempts means a lot to me.

      Delete
  2. આપણે તો સાચે જ ક્યાંય ના રહ્યા ને?
    આજે ત્યાંય ન રહી શક્યા અને હજુ અહીં ના ય ના થઈ શક્યા...

    ભીની માટીની સુગંધ હજુ ય તો ભુલાતી નથી
    અને એટલે જ તો આ અવનવા પરર્ફ્યુમની સુવાસ શ્વાસમાં માતી નથી.

    ReplyDelete
    Replies
    1. ...કે પછી બેઉના થયા?!? :)

      ભીની માટી અને પર્ફ્યુમ - સરસ સરખામણી ને ત્રિશંકુ દશાનું સચોટ બયાન!

      Delete