Friday, May 11, 2012

અવળચંડા ફૂલો

આગળ પાછળના સંદર્ભ વિના જેનું ધડ-માથું ન મળે એવી કવિતા લખવાની આ ખોટી આદત પડી છે! એ વેઈવેઈ અને એના કામ વિષે થોડું જાણ્યા વગર આ કવિતામાં મજા નહિ આવે! એ વેઈવેઈને ન ઓળખાતા હો તો એમની ઓળખાણ મને જેમણે કરાવી એ મિત્ર ઋતુલના બ્લોગ  ચરખો પર જઈ એ વેઈવેઈ વિષેની રસપ્રદ પોસ્ટ  પહેલા વાંચી આવવા ખાસ ભલામણ છે. ____________________________________________

બધા ફુલોથી
સાવ અવળું
ને મૂળ વાત તો એ કે
સુરજથીય
મોં ફેરવીને ઉઘડ્યું છે
એક સૂરજમુખીનું ફૂલ.


માળીનું ચસકી ગયું હશે
એવું લાગે ક્યારેક.
કાલે કહેતો હતો,
"રાષ્ટ્રીય રેડીઓ પર
રમુજી કાર્યક્રમ
ન આવતો હોય
ત્યારેય
એ ફૂલ
મનફાવે ત્યારે
હસતું રહે છે -
ઉભા ખેતરે.
બીજા બધા રડતા હોય તો પણ.
ને ક્યારેક તો,
કશી વાત ન હોય તોય
મરકતું રહે છે
એને જ તાકી રહેલા
બીજા બધ્ધાં ફૂલોના ટોળા સામે".


માળી સાચો હોય  કે ન હોય
એને
સુરજમુખીતો શુ
ફૂલ પણ ન કહેવાનું
ફરમાન જારી કરો -
આજે જ!


તોય ન સમજે તો
એને પોતાના
સ્થાનેથી એક તસુ
પણ ચસકવાની
રજા ન આપશો.
ને પૂછો એને
એના મલકાટનો
મતલબ.
 ***
એકાદ
મ્યુટેશન હશે?
કે થઇ  હશે એ  જ  'ભૂલ' 
ફેક્ટરી જેવી ચોકસાઈથી
એ વેઈવેઈથી એના ઘાટ માં?     
ખેતરે-ખેતરે
વેરાઈ ચુક્યા છે જે 
'સુરજમુખી'ના
કરોડો બી!

(શબ્દાર્થ: મ્યુટેશન = ઓચિંતો અને દેખીતા બાહ્ય સંચાર વિના આવતો ફેરફાર)  

4 comments:

  1. કળાનો આવો જ અનંત વ્યાપ્ત હોય છે. એક વેઈવેઈ સુરજમુખીના બીનું ઈંસ્ટોલેશન કરે. કોઈ મુગ્ધ ચાહક તે વિષે લખે અને પછી કવિ તે અંગે કવિતા કરે. વાત કેટલે સુધી પહોંચે છે!

    તમે જે મ્યુટેશન ની વાત કરી છે તે બહુ મહત્વની છે. તે જ તો પ્રકૃતિ અને ઉત્ક્રાંતિનો પાયો છે. 'Why fit in when you can stand out'...some Sunflower seeds refuse to fit in and now they flourish all over the world!

    ReplyDelete
    Replies
    1. ઋતુલ, ફરીથી ખૂબ આભાર - એ વેઇવેઈ અને એમના કામ વિષે તમારી પોસ્ટ દ્વારા ઓળખાણ કરાવવા માટે. તમે એમને મોઢેમોઢ મળ્યા એને તમે સરસ વર્ણવ્યું છે - આપણે જેમાં ડૂબકી મારેલી તે પવિત્ર પાણી હતા! ખૂબ સાચી વાત - ચરખાની છાલકથી થોડા છાંટા અહીં સુધીય ઊડ્યા ને પવિત્ર કરતા ગયા!

      Delete
  2. વાહ સરસ કાવ્ય. કાવ્ય પહેલા વેઈવેઈનો સંદર્ભ આપ્યો એનાથી કાવ્યની વ્યંજના પકડવામાં સરળતા રહી.

    અકળ મલકાટ એ અકથ વેદનાનું પોલિનેશન જ હશે ને!

    ReplyDelete
    Replies
    1. પંચમભાઈ, ખૂબ આભાર. તમારા શબ્દો પ્રોત્સાહન બની રહે છે. તમારી પોલિનેશન વાળી વાત ગમી ગઈ. એ અર્થઘટન તો સાવ મારા ધ્યાનબહાર હતું!

      Delete