Thursday, May 12, 2016

તમે ભૂત જોયું છે?

હોસ્ટેલના રેક્ટરે
જયારે ખૂણાનો
એ બે બાજુ બારીઓવાળો
એકદમ મોકાનો અને માત્ર ચારમાંનો એક
એવો સિંગલ ઓક્યુપન્સી રૂમ તો નહિ મળે 
એવું કહ્યું ત્યારે 
મારું જવાન લોહી ઉકળી ઉઠ્યું!

ને એમાંય જયારે એમણે કહ્યું કે
આ રૂમ તો વરસોથી બંધ છે કેમ કે
એ તો ભૂતિયો રૂમ છે -
ત્યાં તો એક વિદ્યાર્થીએ
સ્યુસાઈડ કર્યું હતું,
ત્યારે તો મારી જવાની
ભરપુર જોશમાં આવી
અને કહી ઉઠી કે
હવે તો આ જ!
આ જ રૂમ જોઈએ મને!
મેં અંધશ્રદ્ધા પર રેક્ટરને મોટું ભાષણ આપ્યા પછી
આખરે એ રૂમ મને ફાળવવામાં આવ્યો.

ધોળો દિવસ તો રૂમ મળ્યાની
ખુશીમાં વીતી ગયો.
પણ અંધારું ઢળતું ગયું એમ
મારા મનમાં
મારે માથે ફરી રહેલા પંખેથી 
લટકી ગયેલા વિદ્યાર્થીના વિચારો ઘેરાવા લાગ્યા
પણ એ વિચારોને મેં ડઝનેક અગરબત્તીનો ધુમાડો કરીને
હિંમતભેર હાંકી કાઢ્યા
બત્તી બંધ કરી તો
એની જીભ લબડી પડી હશે કે નહિ
એ વિચારો પંખા સાથે ઘુમરાતા જ 
મારે દોડી ને ફરી બત્તી ચાલુ કરવી પડી
તે આખી રાત સુધી ચાલુ રાખી હશે
પણ મન ખૂબ મક્કમ કરી,
એકે બારીએથી કોઈ ઓળો ડોકું કાઢતો નથી
એની સંપૂર્ણ ખાતરી કરી ને હું તો ગોદડું ઓઢીને સુઈ ગયો!
પછી તો આખું વરસ એ રૂમમાં હું શાંતિ થી રહ્યો -
ભૂત શું ને પલિત શું?


ગર્વની વાત છે કે
મારા ગયા પછી એ રૂમ હમેશ માટે ખુલી ગયો
અને ભૂત ની વાતનો ભૂતકાળ ભૂંસાઈ પણ ગયો.
નવા વિદ્યાર્થીઓ તો હવે
કોઈએ સ્યુસાઈડ
કર્યાની વાત સુદ્ધા જાણતા નથી!

***

આજે રાતે દસ વરસ પછી
મને એક સપનું આવ્યું!
સપનામાં હું
મારા મિત્રોને એ રાત વિષેની વાત કહી રહ્યો હતો.
જેમ તમને કરી
એવી જ રીતે
અને એ જ ગર્વથી!


જયારે સપનામાં મારી વાત 
પહેલી રાતની વીરતા સુધી પહોંચી 
અને હું કહેવા જ જઈ રહ્યો છું કે,
ભૂત-બૂત કશું હતું નહિ
અને બંદા આરામથી
પગ લંબાવીને સુઈ
ગયેલા...

ત્યાં તો
કોણ જાણે સપનામાં
મેં શું જોયું કે
મારા થી એક લાંબી
ચીસ પડાઈ ગઈ
અને અડધી રાતે 
હું ઝબકીને જાગી ગયો!

***

બસ, મનમાં નબળાઈની
એક બારીક તિરાડ
પડી નથી 
કે...

No comments:

Post a Comment