Thursday, March 17, 2022

ફાઈલોનાં ઢગલાં તળે 

 ફાઈલ - 1

પંડિત,
દલિત,
મુસ્લિમ,
પીડિતોનો
કોઈ ધર્મ નથી હોતો - 
ઝનૂનનો હોય છે.

ફાઈલ - 2 

ઇતિહાસ - 
લખવો જોઈએ.
ઇતિહાસ - 
ભૂંસવો જોઈએ.
ઇતિહાસ - 
રચી ન શકાય તો, 
એને ફરીથી
લખવો જોઈએ!

ફાઈલ - 3

પરસ્પરના વૈમનસ્યની
કુહાડીને
પીડિતોની 
કહાણીઓથી
મોટો હાથો
ક્યાં
મળવાનો?

ફાઈલ - 4

વેદના - 
છે.
સંવેદના - 
છે?

ફાઈલ - 5

પીડિતોની
વેદના તો
અપહ્યુત સીતા છે -
બોલો જય શ્રી રામ!
અને બોલાવો હલ્લો!!

અરે! આ તો સોનાની લંકા છે - 
લૂંટો!
એમાં મેલો આગ, 
ને  શેકો આપણાં  રોટલા!

અરે! આ રહ્યો રાવણ, 
અરે! એનો ભાઈ, 
અરે! એનો દીકરો -
મારો મારો,
આખી રાક્ષસજાતને મારો!

***

લઇ આવ્યા સીતાને 
વાજતે-ગાજતે,
રામ સુખેથી ગાદીએ વિરાજ્યા
પ્રજાએ પણ
"રામરાજ્ય આવ્યું!" 
"રામરાજ્ય આવ્યું!" ના પોકારો કર્યા 
અને  ટોડલે ટોડલે
દિવા કર્યા.

પીડિતા તો પીડિતા જ રહી
એ અલગ વાત છે!

બળતી લંકા પણ બળતી જ રહી
એ અલગ વાત છે!

ઉર્મિલાને પણ કોઈએ પીડિતા ન કહી 
તો મંદોદરીને તો ના જ કહે ને - 
પણ એ આખી અલગ વાત છે!

***
Note: this is written in the context of and reaction to Kashmir Files, the movie.

Sunday, May 10, 2020

એક હિજરતીની રોજેરોજની દ્વિધા

જયારે
તમે
ચિંતાગ્રસ્ત
થઇને
રોજેરોજના
દેશવાર
જાહેર
થતા
COVID-19
અસરગ્રસ્તોના
આંકડા
જોવા
વર્લ્ડ-ઓ-મીટરની
વેબસાઈટ
રોજેરોજ
ખોલો,

અને
રોજેરોજ
તમને
સમજણ
ન પડે કે
USA,
 કે જયાં તમે અને તમારા બાળકો રહે છે
એના પર પહેલા
ક્લિક કરશો
કે 
INDIA,
કે જયાં તમારા માવતર અને બાકીનો પરિવાર રહે છે, 
એના પર?

***

બરાબર
એ સમયે
રોજેરોજ
થતી
લાગણીને
તમે કહી શકો
એક
હિજરતીની
રોજેરોજની
દ્વિધા! 

Thursday, February 27, 2020

દીવાલો નવી નથી!

"જબ કુત્તે પે સસ્સા આયા
તબ બાદશાહ ને શહર બસાયા"
આ બધું કહેવતોમાં સંભવ છે,
બાકી કૂતરાં સસલાં પર ત્યારેય ભસતાં હતાં
અને આજે પણ ભસે છે.

સાબરમતીના કિનારે
ઝૂંપડું બાંધીને રહેતો 
માણેકનાથ બાવો
આખો દિવસ
ગોદડી સીવે 
ને રાત પડતા જ એને ઉકેલી નાખે
એ સાથે જ જોતજોતામાં 
આખા દિવસનું 
બાદશાહે કરાવેલું
કોટનું ચણતર ભોંયભેગું થઇ જાય!

ઝુંપડાવાસીઓમાં 
પોતાની મરજી વિરુદ્ધ
ચણાતી દીવાલો રોકી શકે 
એવી ચમત્કારીક શક્તિ
દંતકથાઓમાં જ
હોય છે.

***

સદીઓથી બનતી
આવી છે દીવાલો
આ શહેરમાં:

કદી નદીને એક કાંઠે
કદી નદીને બેય કાંઠે
ને કદી રોડનેય કાંઠે

કદી એમને પટાવીને*
કદી એમને હટાવીને**,
ને કદી તો બસ એમ જ***!

__________
સંદર્ભો:
* માણેકનાથને માણેક બુરજ બનાવી આપીને અમર કરવાની લાલચ આપી કોટ ચણવા દેવા મનાવ્યો હતો એનો સંદર્ભ છે.
** રિવરફ્રન્ટ નદીકાંઠાના ઝુંપડાઓનાં પુનર્વસન પછી બાંધવામાં આવ્યો હતો એનો સંદર્ભ છે.
*** આ લખ્યા સમયે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની મુલાકાત વખતે સરણીયાવાસને ઢાંકવાના પ્રયત્ન રૂપે રાતોરાત એમની સામે દીવાલ ચણી લેવામાં આવી હતી એનો સંદર્ભ છે.   

Monday, January 13, 2020

કોણ માનશે?

કોડીની કોડી 
એકલા કેસરી પતંગોના 
વેપારીઓના આ જમાનામાં
ચાંદેદાર, પટ્ટેદાર, આંખેદાર,
ને રંગેરંગના ઘેંસીયા, ફુદડીયા, ને પાવલાથી
ભૂરું આકાશ શોભતું' તું 
કોણ માનશે?

કાપો કાપોના આ જમાનામાં
નાના આરીફોને પડતા મૂકીને 
નાના અંશુમાનો, વિહાનો, ને ઇશાનો
માટે  કાગળ, સળી ને લઇમાં 
આખું વરસ ડૂબેલી રહેતી શકીનાઓ
કે બબ્બે મહિના સુધી સવારથી મોડી રાત સુધી
એ જ નાના આરીફો ને એમના અબ્બુઓ 
દોરી ઉપર માંજો ઘસે ત્યારે
ધાબેધાબેથી
સાવ જ બિનસાંપ્રદાયીક કાઈપો છે..........
ની બૂમો પડતી'તી
કોણ માનશે?

Thursday, October 24, 2019

Confirmation Bias

સવાલ: તમે સિગારેટ પીઓ છો?
જવાબ: ના. 
સવાલ: તમે પોર્નોગ્રાફીક ફિલ્મો જુઓ છો?
જવાબ: ના.

જુઠ્ઠાણાંઓના
પાયા પર ઉભેલો
સમાજ
જે એકબીજાને
અને જાહેરમાં
કહેવામાં
સંકોચાય છે
એ બધું
કરવામાં એમને
એમની જાતની
પણ શરમ
નડતી નથી.
પણ
તમે સર્વેક્ષણો
ને તારણો
પરથી
ઊંચા
આવો તો ને!

*

સવાલ: તમને ટીબી થયો છે?
જવાબ: ના. 
સવાલ: તમે સમલૈંગિક સંબંધમાં રસ ધરાવો છો?
જવાબ: ના.

નાતબહાર
મુકવાના રિવાજ
પર ટકેલો
સમાજ
જેને ખુલીને સ્વીકારી પણ ન શકે
એનું પ્રમાણ
તો એ જાણી રહ્યો.
પણ
તમે સર્વેક્ષણો
ને તારણો
પરથી
ઊંચા
આવો તો ને!

**
સવાલ: તમે આ વરસે મોદીને મત આપ્યો?
જવાબ: ના. 
સવાલ: તમારી પાડોશમાં કોઈ મુસ્લિમ હોય  તો તમને કોઈ વાંધો ખરો?
જવાબ: ના (એમાં શું વળી?). 

સુધારાના દંભ
પર ટકેલો 
સમાજ
જેને
મત નથી આપતો
એ ચૂંટાય છે
કેવી રીતે એમાં EVMનો 
વાંક કાઢવા મથતા
માણસો,
તમે સર્વેક્ષણો ને તારણો
પરથી ક્યારે ઊંચા આવશો?