Thursday, July 25, 2019

તમે ધર્મ માં માનો છો?

પહેલા તો રચ્યું
એક મજબૂત
અને બધાથી પર એવું
પરમતત્વ:
આપણી સામુહિક કલ્પનામાં જ તો!

પછી
એના
કર્યા
ઉભા
ફાડિયાં -

એક વિદ્યા માટે,
બીજુ લક્ષ્મી માટે,
ત્રીજુ શુભ શરૂઆત માટે,
ચોથુ  સંતાનપ્રાપ્તિ માટે,
પાંચમુ આરોગ્યપ્રદ જીવન માટે,
છઠ્ઠું યુદ્ધમાં જીત માટે.
સાતમુ...
...અગણિત હતી અધૂરી ઈચ્છાઓ
અગણિત હતા પીડાના કારણો
એ દરેક માટે એક એક એમ
રચ્યાં અમે અગણિત ફાડિયાં!

એટલું ઓછું હતું તો એની એ જ ઈચ્છા માટે
અમે રચ્યાં જુદાં જુદાં ફાડિયાં
કોઈ મૂર્તિમંત તો કોઈ અમૂર્ત
જેને જે ગમે એ ફાડિયું એનું
એક જ ફાડીયે ચોંટેલા જીવો
પાછા એક અમૂર્ત તાંતણે
એવા તો બંધાયેલા
કે બીજા ફાડિયાંવાળા
આડા ફાટે તો એમના ઉભા ફાડિયાં
કરી નાખે!

ફાડિયું રાજી રહે તો ઈચ્છાઓ ફળે
ફાડિયું આડું ફાટે તો દુઃખ મળે
ફાડિયાંની પૂજા કરો
આરતી ઉતારો
મંદિર બાંધો
ઘંટડી વગાડો
નગારા પીટો
એને જમાડો
એને રમાડો
એને સુવાડો

આ બધું ચાલતું
હતું ત્યાં કોઈ વળી
આડું ફાટ્યું
ફાડિયાં ન જોઈએ
સિદ્ધાંત જોઈએ -
ઈચ્છાઓ જ દુઃખનું કારણ છે
ઈચ્છાઓ ને જ મારી નાખો
પછી જુઓ
તમે પોતે જ ફાડિયું
બની જશો!
બહારથી
ફાડિયાં
શું લાવવાના વળી...

પણ એમાં એક બીજી
રામાયણ થઇ
સિદ્ધાંત પણ
તો ઘણા છે:
nationalism
liberalism
capitalism...
પરમતત્વના ફાડિયાં જેટલા જ
કે એનાથી પણ કેટલાય વધારે -
હવે મારે માનવું તો
માનવુંય શેમાં?

માણસાઈમાં જ માનોને
કહીને વળી બીજા
કેટલાક ઉભા રહ્યા -
હવે એમને શું કહેવું?

કોઈ કહે છે કે
genes માં જ છે કશાંકમાં માનવું
તમે લાખ કરો માનવું ન માનવું
તમે માનશો જ
છેલ્લે ન માનવામાં માનશો
પણ તમે માનશો જ
એક ફાડિયામાં
અનેક ફાડિયાંમાં
ફાડિયું બની જવામાં
કે ફાડિયાના ન હોવાપણામાં
પણ તમે કશાંકમાં
તો માનશો જ -
સાચ્ચું કહું છું, માનો મારી વાત!

No comments:

Post a Comment