તમે ઓફિસ જવા
નીકળ્યા હતા એક્ટિવા પર
અને એ સાંકડી ગલીમાં
સુતેલા કૂતરાએ તમારો
રસ્તો રોક્યો.
જેમતેમ કરી
શરીર સંકોડી
વાહન તારવી
તમે નીકળી તો ગયા પણ
ત્યાં આવ્યું રસ્તા વચ્ચે
ગંદા પાણીનું
ખાબોચિયું!
આવી રીતે તો
માણસ કેવી રીતે
ઝૂંપડપટ્ટી સોંસરવો
નીકળી શકે?
નાકને
ગટરની ગંધ ઘેરી વળે
એને એક હાથે રૂમાલ આડો
ધરીને તો રોકી લઈએ
પણ પાછા આ લાઈનબંધ
લોટા લઇને બેઠેલા
છોકરાઓનું શું કરવું?
વાહન હાંકતા આંખ થોડી બંધ કરાય છે?
પણ શું કરીએ, આ એક જ શોર્ટકટ છે...
***
મ્યુનિસિપાલિટીએ આ રસ્તો પહોળો
કરવા અંગે જલ્દી જ કૈંક કરવું જોઈએ -
આજે જ ફરિયાદપત્ર લખું છું
કમિશ્નર સાહેબને,
ઓફિસથી આવીને તરત,
જોજોને તમે!
પછી ઝુંપડા હટાવીને
રસ્તો પહોળો ન કરે તો
કહેજો મને!
No comments:
Post a Comment