Wednesday, September 12, 2018

માઇગ્રેટરી મોનાર્ક

ઓતરાદા પવન ફૂંકાયા નથી કે
તરત અમે મોનાર્કો એના પર સવાર થયા નથી!
છેક ઉત્તરેથી  નીકળીને
દૂર દક્ષિણ સુધીનું અંતર કાપતા
ભલે અમારી આખી જિંદગી નીકળી જાય
પણ અમે આકરો શિયાળો
બીજી તો કઈ રીતે કાઢવાના ભલા?
અમારામાં થી કોઈએ પહેલા કદી ન જોયું હોય
એવા સ્થળને અમે કેવી રીતે ઓળખી લેતા હોઈશું
એ વાતે માણસ મૂંઝાય છે પણ 
એનું અમારે શું?

વાતાવરણ અનુકૂળ થતું જણાયું નથી કે
અમે પાછા વળતી સફરે નીકળી પડ્યા નથી!
પછી તો એય મજાના મિલ્કવીડની ઉજાણી
કરતા કરતા અમારી ચોથી પેઢી
અમારા પરદાદા જેને વતન
કહેતા હતા ત્યાં પાછી પહોંચી જાય.
અમારામાંથી કોઈએ પહેલા કદી ન જોયું હોય
એવા સ્થળને અમે કેવી રીતે ઓળખી લેતા હોઈશું
એ વાતે માણસ મૂંઝાય છે પણ
એનું અમારે શું?

***

એમ તો જો કે અમે પણ મૂંઝાઈએ છીએ
માણસો ની ઘણી વાતે
સાંભળ્યું છે કે જેને અમે અમારો સળંગ  પ્રદેશ ગણીને 
પેઢી દર પેઢી ઉત્તર દક્ષિણ ફર્યા કરીએ છીએ એને
માણસો બે જુદા દેશ ગણે છે,
એને અમેરિકા અને મેક્સિકો કહે છે,
એમની વચ્ચે દીવાલો ચણે છે, 
કાંટાળા તારની વાડ લગાવે છે,
એકબીજાને છૂટથી આ બાજુ થી તે બાજુ આવવા જવા દેતા નથી.
માણસો એવું કેમ કરતા હશે?

જ્યાં અનુકૂળ વાતાવરણ હોય
એ બાજુ સાવ સહજતાથી સ્થળાંતર
કરી જવાનો કુદરતી નિયમ પાળવાનો 
ઠેકો કઈ અમે મોનાર્કોએ એકલાએ થોડો લીધો છે?

No comments:

Post a Comment