Wednesday, August 10, 2016

જમાલપુર થઇને મહાજનનાં વંડે

શરદપૂનમની રાતડી હો હો...
લલકારતા
ઊંટની ચાલીએ થી અમે ત્રણ
મહાજનના વંડા બાજુ નીકળ્યા
ત્યારે આખી શેરીએ પૂછ્યું કે
તમે ત્રણ એકલા જ જશો?
ત્યારે તો ખબર નહોતી કે
ત્રણ ત્રણ ખેલૈયા "એકલા"માં ગણાય!

હજુ વિચારું છું કે વાત શી છે
ત્યાં તો રાજ્યા પાસેથી જાણ્યું કે દસ પંદર મિનીટ સુધી
આખું જમાલપુર વીંધીને વંડે પહોંચાશે ત્યારે
મારી ફે ફાટી ગઈ!

હજુ બે દિવસ પહેલા જ
ઇદની આગલી સાંજે
વાછરડીને
કસાઈખાને લઇ જતા
પકડાયેલા શખ્સોની
સબઇન્સ્પેકટર રાઠોડ સાથે મારામારી
થઇ છે ત્યારે તો ખાસ ધ્યાન રાખવું પડે.
આ તો અમદાવાદ છે ભઈ!

જેમ તેમ કરી પહોંચ્યા તો ખરા પણ
વંડામાં પેસતા જ
મહારાજે
દરેકને કપાળે
લાલ કંકુનો
મસમોટ્ટો ચાંદલો કર્યો
ત્યારે મને થયું
તમે તો ગરબા કરીને વંડામાં
સુઈ રહેશો પણ
અમારે તો ઊંટવાળી ચાલીએ
પાછા નહિ જવાનું?
ને એય પાછું
દાઢીબંધ ટોળા
વચાળે થી અડધી રાતે
ચાંદલો ચોડીને?
ખરા છો તમે!

ખેર, વળતાનું વળતા જોઈશું
અત્યારે તો
શરદપૂનમની રાતડી હો હો...
જામી છે!
સાંકડી શેરીમાં
ગરબે ઘૂમતું યૌવન
રાત જામતી ગઈ એમ
એક પછી એક ઉમેરાતું ગયુંને
બેય છેડે વંડાની હદ વટાવી ગયું
ત્યારે મને થયું
આ બાજુ તો
સરસ્વતી શાળા નં 11 છે
એટલે વાંધો નહિ પણ
પેલા છેડે કરીમ ટેઈલરની દુકાન સુધી
ગરબો પહોંચ્યો છે
તો ડખો તો નહિ થાય ને!

વચોવચથી
શકીનાબાનું બુરખો ઓઢીને
કરીમ ટેઈલર બાજુના છેડેથી
માતાજી ના સ્થાપન પાસે થઇ
શાળા બાજુ
શેરી સોંસરવા
નીકળ્યા એનાથી તો ગરબો
જરાય વિચલિત ન થયો
પણ જયારે એક આખલો
કોણ જાણે કેમ
ભડકીને
ભૂરાયો
થયોને
શેરી સોંસરવો
શીંગડા
ઉલાળતો
ભાગ્યો ત્યારે
શેરીગરબામાં
ભંગાણ
પડ્યું ખરું!

અમસ્તો પણ
વિરામનો સમય થયો હતો
એટલે ગરબા
અટક્યા
ને મને પણ થયું કે
સારા સમયે પાછા જતા રહીએ

મધરાત તો તોય થઇ ગઈ છે
ને એટલા મોડા
જમાલપુર સોંસરવું
પાછા જવું!

પાછા વળતા
ગભરાતા ગભરાતા
દાઢીબંધ ટોળા
ક્યારે પતે એ વિચારું છું
ત્યાં તો રાજયો
શફીની દુકાને ચા પીવા રોકાયો!

ચા પીધી તો પીધી પાછો
શફી સાથે ઊંટવાળી ચાલીમાં
ભાગીદારીથી ચાની દુકાન કરવાની વાત
કરવામાં મોડું કરતો જાય છે તે
મધરાતે મારી ફે તો ફાટે જ ને!

વળી જતા જતા
બકરી આડી ઉતરી એમાં
એક મહેરબાનનું
સ્કુટર પડી ગયું ને
એમાં એમના ફરજંદનો
પગ ફસાયો તો
રાજયો  કહે ભાઈજાનને ઉભા કરીને
જઈએ!
ભાઈજાને પણ શુક્રિયા કહ્યું!

સાચું કહું તો
હેમખેમ ઊંટવાળી ચાલીમાં
પાછા આવ્યા પછી જ
મારા તો જાનમાં જાન આવ્યો!

***

મને તો લાગે છે
આ આખી વાતમાં
વાછરડી ને બકરી તો સાવ નિર્દોષ છે,
બધો વાંક ભૂરાયા થયેલા આખલાનો જ છે.
તમને શું લાગે છે?

1 comment: