Tuesday, June 23, 2015

અંકૂર ફૂટ્યાંની વેળાએ

તમે એક સરસ
જગા શોધીને
યોગ્ય ઊંડાઈએ
યોગ્ય ઋતુમાં
તમારું ઉત્તમોત્તમ
બીજ વાવો
ને પછી
ઘણો સમય
વહી જાય
રાહ જોતા જોતા
પણ પછી
બધા સંજોગો
સાનુકુળ
થાય ત્યારે
એ બીજ
એક મજાની પળે
આપમેળે જ
જમીન ફાડીને
અંકૂરરૂપે
પોતાનું
અસ્તિત્વ
જાહેર કરે
એ ઘડીએ તો
આહા, આનંદ આનંદ!

ને પછી
બીજી જ પળે
એ જેનું બીજ છે
એના જેવું જ ઘટાદાર
એ વૃક્ષ થશે કે કેમ
એનું થડ સીધું સોટા જેવું થશે કે કેમ
એની ડાળીઓ સપ્રમાણ હશે કે કેમ
એના પાંદડાને કોઈ રોગ તો નહિ લાગે ને
એના મુળિયા ઊંડા જાય એ પહેલા નીચે
પથરાળ સપાટીતો નહિ આવી જાય ને
આવા બધી ચિંતાઓ તમને ઘેરી વળે એ સ્વાભાવિક તો છે
પણ સનિષ્ઠ જતનથી વધુ તમે શું કરી શકો?
એ અંકુરના વિકાસની અગણિત સંભાવનાઓ માટે
તો રાખવાની હોય છે
માત્ર અને માત્ર
એ અંકુર પર જ
એક અતૂટ શ્રદ્ધા!

3 comments:

  1. રોજે રોજ નજર સામે બનતી આ પ્રક્રિયાનું કાવ્યાત્મક ચિંતન સ્પર્શી જાય એવું છે. બાળજન્મની ક્ષણે પૈતૃકપ્રક્રિયા પણ કદાચ આવી જ હોય છે ને?

    ReplyDelete
    Replies
    1. પિતૃત્વના જાત-અનુભવમાંથી જ નીપજ્યું છે આ પંચમભાઈ. કમનસીબે, બીજાના પેગડામાં પગ ઘાલીને એમની વેદના અનુભવવાની સંવેદના હજુ વિકસી નથી એટલે સંઘેડાઉતાર કામ થતું નથી. વધુ લખવા તો વધુ ને વધુ અનુભવો ખુદ જ લેવા રહ્યા! તમે (યોગ્ય રીતે) ટકોર્યા પછી ગઝલ તો લખી જ શકતો નથી. વિચારબીજ ક્યારેક મજબૂત હોય છતાં છંદની અણઆવડતને લીધે અભિવ્યક્તિમાં બાધા આવે છે એટલે હમણા તો આ જ લખવાનું રાખ્યું છે. તમ સમ આંગળી ઝાલે છે એટલે આગળ વધાશે.

      Delete
    2. spancham ની વાત કોપી પેસ્ટ કરી છે એમ માનો

      Delete