Sunday, August 31, 2014

યલોસ્ટોન

સાંજ પડ્યે
સુરજ શિખર પાછળ 
સંતાવા માંડે અને
અડોઅડ ઉભેલા
પાઈનના પડછાયા
લાંબા થતા જાય
એની સાથે વાતાવરણ તો
ઠંડુ પડે પણ 
પૃથ્વીની હૈયાવરાળનું શું? 

***

ઉત્ક્રાંતિના ઉચ્ચતમ  તબક્કે
પહોંચેલો જીવ જયારે 
એનો દાટ જ વાળવા બેઠો હોય 
ત્યારે પૃથ્વીથી ઉના ઉના
નિસાસા નખાઇ જાય 
અને એ તમાશો જોવા 
લોક હોંશે હોંશે ટોળે વળે ત્યારે
એને એમ નહિ થતું હોય કે 
એના મનનો ઉભરો
આ નઠારાઓ સામે
ઠાલી જ ઠાલવી રહી છે!

2 comments: