Thursday, July 24, 2014

બેઘર III

"સર, હાઈ"!
"મેડમ, હેલ્લો"!
અરે આ તો અમારા ગ્રોસરી સ્ટોરમાં
કામ કરે છે એ! 
આ અહી ક્યાં થી?


આવતા જતા ને બોલાવી બોલાવીને
ફક્ત હાઈ કે હેલ્લો જ કહે!
થોડો ગાંડો છે પણ કોથળીમાં 
સામાન ભર્યા કરે ઘરાકો માટે
પણ અડધી અડધી મીનીટે 
ભૂલી જાય કે હમણા જ
આપણને બોલાવી ને હાઈ
કહ્યું છે!

હું સ્ટારબક્સના
બહારના  ટેબલખુરશી પર
મારી ૪ પંપ, નો-વોટર, ૨ પર્સન્ટ 
ચાઈ ટી લાટે લઇ ને બેઠો છું
ત્યારે આ જાણીતો અવાજ 
સંભાળ્યો!

એ કોઈ સ્ટારબક્સમાંથી
બહાર નીકળતા બહેનને
કહી રહ્યો હતો!
"મેડમ, હેલ્લો"!
બધા હાઈ કહી આગળ 
વધી જાય એમ એ બહેન
પણ હાઈ કહી આગળ વધી ગયા.
"સર, હાઈ"!
આ વખતે એ
એક ગાર્બેજકેનમાંથી
ખાવાનું ભેગું કરતા
બેઘર ને સંબોધીને કહી રહ્યો હતો.

મને ઓછું આવ્યું એટલે મેં પણ ઝંપલાવ્યું,
એને હાઈ કહ્યું
અને મારા ટેબલ પર બેસવા કહ્યું
એણે પણ મને સામે હાઈ કહ્યું
અને ખુરશી ખેંચી.
પછી તરત મને વિવેક કર્યો,
"તમે ખાશો"?
એમ કહી ગાર્બેજકેન 
ભણી તદ્દન
નિર્દોષભાવે
આંગળી ચીંધી.

મારાથી ના ન પાડી શકાઈ
એટલે મેં એવું કહી ને મારો ચા નો કપ
ઉંચો કર્યો :
"આ પતે પછી ખાઉં"!

તરત એ બેઘર તરફ વળ્યો
અને પૂછ્યું:
"તમે કઈ પીશો"?

બેઘરને તો ખબર નહિ કે 
આની થોડી
ચસ્કેલી છે
એટલે એણે થોડી આશા સાથે ધીરે સાદે કહ્યું, "કોક"!


એણે બેઘરને કહ્યું તમે પણ ખુરશી ખેંચો અને બેસો
બેઘરને મારી પાસે બેસાડીને
"હું હમણા તમારી કોક લઇ આવું" એટલું કહી એ તો ઘડીવારમાં અદ્રશ્ય થઇ ગયો!
હવે હું ને બેઘર એની રાહ જોઈ રહ્યા.

હું તો પેલા ને વર્ષોથી જાણું છું. 
એને તો અડધી મિનીટ પહેલાનું યાદ રહેતું નથી!
એ આવશે નહિ એની મને તો ખાતરી હતી. 
એને યાદ જ નહિ હોય એ શું લેવા નીકળ્યો હતો!
પણ એની ચસ્કેલી ડાગળીની વાત આ બેઘર ને કહું કે નહિ એ અવઢવમાં
દસ મિનીટ વીતી.
પેલો તો દેખાયો નહિ.
બેઘર રાહ જોઇને
થાક્યો અને નવા ગાર્બેજકેન ભણી
આગળ વધ્યો.

***

એ બંને તો 
વારાફરતી
જતા રહ્યા
પણ 
મારી પાસે
મૂકીને ગયા
મારી ઠંડી ચા
અને
એને  હવે ગાર્બેજકેનમાં નાખી દેવી કે
પી જવી
એવી
અવઢવ!

No comments:

Post a Comment