Wednesday, June 25, 2014

બેઘર II

આમ તો
વર્લ્ડબેંકની
બિલકુલ સામેના
પાર્કના એક બાંકડે
આપણો કાયમી મુકામ
પણ આજે સવારે
થોડા થોડા
છાંટા હતા
એટલે મેં મારો
સામાન સમેટયો
ને ત્યાંથી ખસ્યો.

આમ તો ખાસ કઈ હોય નહિ
અમારી પાસે સામાન જેવું
પણ સાવ કઈ નથી એમ પણ ન કહેવાય.

ચારરસ્તા ઓળંગી આ બાજુ આવેલી
આલીશાન હોટેલ અને એની બાજુના
ઊંચા ઓફીસ બિલ્ડીંગ વચ્ચે
એક દુબળીપાતળી ગલી છે એમાં પેઠો - હમેશની જેમ.

એ ગલીયારીમાં હોટલની લાઉન્જની બારીઓ પડે છે
પણ એ તો ઠીક છે, કોઈનું ધ્યાન બહાર ગલીમાં નથી હોતું
એ બધા એમની કોફી માં ને છાપા માં ડૂબેલા હોય.

એ ગલી પૂરી થાય
ત્યાં કચરો ઠાલવવાની જગ્યા છે.
હોટેલમાં કચરો બહુ ભેગો થાય
ક્યાંય ન મળે તો અહી તો કૈંક મળી જ રહે
અડધી ખાધેલી સેન્ડવીચ કે એવું કૈંક તો હોય જ હોય

જો કે અત્યારે તો હું વરસાદને લીધે અહી પેઠો છું
એ ગલીમાં બંને મકાનોને જોડતા પુલો નીચે
વરસાદથી બચાય એવી ઘણી જગ્યાઓ છે
મારા જેવા બીજાય ઘણા છે
પણ અમે બધા તો આમતેમ સમાઈ જઈએ.

***

એ ગલીમાં

"Private Property
No Trespassing"

એવા બોર્ડ ઠેર ઠેર મારેલા છે.
પણ અમે વાંચ્યું ન વાંચ્યું કરી આગળ નીકળી જઈએ છીએ.
બિલકુલ એવી જ રીતે, જેવી રીતે તમે
પાર્કના બાંકડે બેઠેલા અમને,
જોયા ન જોયા કરી આગળ નીકળી જાઓ છો.

No comments:

Post a Comment