Saturday, February 2, 2013

મજરે

સાહેબ,
ચારે પાયા આજુબાજુ
પેપરના ઢગલા
કરી દઈશું
ને સાથે
નામીચી
ભારેખમ કલમો
પણ બાંધી રાખીશું
પછી જોઈએ છીએ
કોની દેણ છે કે
એક પણ પાયો હચમચાવી શકે
તમારી ખુરશીનો.

અમારું પેપર
ગામડાગામના ગોવાળિયાઓથી લઈને
શહેરની કોલેજીયન યુવતીઓને
રસ પડે એવું છે,
ને સાંજ પડ્યે ભજીયાના
પડીકારૂપે આવેલા
ટુકડાનેય
ઓફીસનો પટાવાળો
ખરા રસથી વાંચતો હોય છે.
હા, પછી રમીલાના રમેશ સાથેના
પ્રેમપ્રકરણના મામલે
પોલીસે શું કર્યું
એ મુદ્દાની વાત આવે
બરાબ્બર ત્યાંથી જ
ભજીયાવાળો પેપર કેમ ફાડતો હશે
એ વાતે
બાબુ ચિડાય છે થોડો થોડો, પણ ચાલે!
મૂળ વાત એ છે કે પસ્તી થયા પહેલા ને પછી પણ
અમારું છાપું ઘરે ઘરે પહોંચે છે.

વળી,
કહો એના ગુણગાન ગાવા
અખંડ તૈયાર હોય
એવા ઘણા કલમકારોને અમે
ખાસ રોકી રાખ્યા છે.
તમે કહો તો
તમે કહો એ પ્રસંગે
તમારે ત્યાં આવીને
તમારો ફોટો પણ પાડી જઈશું
બીજે દહાડે આખું પાનું ભરીને
રંગીન પાને છાપી શકાય એવો.
અલબત્ત,
તમે કહો એ મથાળાવાળા અગ્રલેખ સાથે!
ગત ચૂંટણીની પેઠેસ્તો.

જરૂર પડ્યે અમે રાતોરાત
ચૂંટણીવિશેષાંક પણ બહાર પાડી શકીએ.
બસ આગલે દહાડે
રાત્રે બાર પહેલા કહી દેવું, તમતમારે.

***

બસ એક જ નાની વિનંતી છે:
ફરી ખુરશી મળ્યે
તમારા હિસાબ-કિતાબમાં
મીડિયા મજરે લેશો ને, સાહેબ?

તા.ક.:- આઠ-દસ રૂપિયા છપાઈ,
પેલા કલમકારોના પુરસ્કારો,
જાહેરાતના નીચા દરો,
બે-પાંચ રૂપિયાની
રાખવી પડતી વે.કી.
ને એમાંય ફેરિયાવાળા દાદાઓના તેત્રીસ ટકા.
તમારા સિવાય આપીએ તોય
કોને મજરે આપીએ, સાહેબ?
ને વળી તમારા જેટલો
ફાયદોય બીજા કોને છે
અમારા હોવાથી,
સાહેબ?
_______________________________________________________________________
[નોંધ: આ કાવ્યમાં ટાંકેલા આંકડા ઉર્વીશભાઈ ના બ્લોગ પર મુકેલા અજય ઉમટના પ્રવચનના અંશો પરથી લીધા છે. તે અને અન્ય પ્રવચનો અહીં વાંચી શકાશે: http://urvishkothari-gujarati.blogspot.com/2013/01/blog-post_15.html]
શબ્દાર્થ: 
મજરે: પાછળથી ભેગું ગણી લેવું એમ; પેટે; સાટે; આગલા સાથે; હિસાબમાં ગણતરીમાં લેવું એમ.
રૂઢિપ્રયોગ
. મજરે આપવું = પાછલા હિસાબની સાથે વાળી આપવું; હિસાબમાં વાળી આપવું; હિસાબમાં ગણી લેવું; જમે આપવું.
. મજરે આવવું = () ફળદાયક થવું () હિસાબમાં ચૂકતે ગણી આપવું.
. મજરે લેવું = હિસાબમાં ચૂકતે વાળી લેવું. (Source: www.gujaratilexicon.com)

1 comment: