Saturday, August 17, 2013

સ્વતંત્રતા

સાબરમતીના ઉપરવાસમાં
ક્યાંક જઈ એણે
બ્લેક લેબલ વ્હીસ્કીની 
બાટલી ખોલી. 
ગુજરાતમાં તો મનાઈ છે ને!

પીતો ગયો ને સાથે બાંધી લાવેલા
ચીકન ટીક્કા ઉડાવતો ગયો.
શી મોજ!

પછી એક ચિઠ્ઠીમાં 
એણે ઝડપભેર કંઇક લખ્યું
અને બુચ મારી ને 
બાટલી વહાવી દીધી.

***

હેઠવાસમાં
હજી પણ અદ્રશ્યપણે
રેંટીયો કાંતી રહેલા
ગાંધીને હાથ જયારે એ બાટલી ચડી
ત્યારે એ પોતાની સિદ્ધિ પર વારી ગયો 
અને મલકી ઉઠ્યો.

ચિઠ્ઠીમાં લખ્યું હતું:
"મારી સ્વતંત્રતા".

2 comments:

  1. વાહ, ક્યા બાત હૈ! આજકાલ એમ પણ બધા ફાર્મ હાઉસ - જલસા હાઉસ સાબરમતીના ઉપરવાસમાં જ છે ને... જુવો ને કેટલી બધી સ્વતંત્રતા!

    ReplyDelete
  2. તમારી કવિતાથી પ્રેરાઈને થોડી લીટીઓ લખી નાખી.

    વનવાસમાં
    હજી પણ અદ્રશ્ય પણે
    આશ્રમમાં બેઠેલા એક ખુણે
    ગયા ગાંધી કંટાળી
    નિકળ્યા જોવા સાબરમતી ન્યારી
    કિનારે બેઠા બેઠા સુઝી કુમત
    તરતી બાટલી ને પકડવા કરી રમત
    ખુણે બેઠા સાંભળેલ બાટલીની વાત થી
    રહેવાયું નહી તે ખોલી બાટલી હાથથી
    મળી એક ચબરખી નાની અમથી
    લખ્યું હતુ કે આ સ્વતંત્રતા મને ગમતી
    જોઇ બાટલી માં પુરાયેલી આ સ્વતંત્રતા
    બોલી ઉઠ્યા ગાંધી સારી હતી પરતંત્રતા

    ReplyDelete