Wednesday, June 5, 2013

'વિસ્થાપિત'

મારી સાયકલની
ઘંટડી નીચે
સવાર સવારમાં
સુતું હતું એક ફુદડું.

હું નીકળ્યો
આસન જમાવવા
મારી ઓફીસે.
પહેલું પેડલ માર્યું ત્યાં
થોડો ફફડાટ થયો હોય
એવું લાગ્યું
પણ
મને શી ખબર
મારી સાઈકલની
ઘંટડી નીચે
એણે આસન જમાવ્યું હશે!

મારતી સાઇકલે
હું તો જતો જ રહ્યો
એય સુતું જ રહ્યું
કોઈ પાંદડા નીચે સુતું હોય
એટલી રોજીંદી નિરાંતથી.

રસ્તામાં એક આડવાત કરી લઉં:

હું
આજકાલ
સાઈકલ લઈને
ઓફિસે જાઉં છું
મારી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા
ને દોસ્તોમાં લીલોછમ્મ વટ પાડવા
બાય ધ વે,
હેપ્પી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે!

***

ઓફીસના ગરાજમાં 
પહોંચું છું ત્યાં
કોઈએ મોટરકાર
આડી ઉતારી!
ચરરરર કરતી
મેં બ્રેક મારી
ને બજાવી
મારી સાઈકલની ઘંટડી
આક્રોશમાં
એ પ્રદૂષણીયા
વાહનચાલકને ભાંડવા
પણ
આજ પહેલા
કદી ન અનુભવેલી
ધ્રુજારીથી
કંપી ઉઠેલું
પેલું ફુદડું
સફાળું જાગ્યું
ને ઉડીને સાઈકલસ્ટેન્ડના
પાઈપ પર જઈ સુતું!

***

મારી સંવેદનશીલતાએ
ફરીથી બધા સરવાળા બાદબાકી કરવા પડ્યા
મારો નવો environmental impact ગણવા.
કેમ વળી, આ ફૂદડું વિસ્થાપિત ન થયુ?
ઉધરે લેવું પડશે ને?

આમ તો એ અનુકુલન સાધી લેશે
ઓફીસના બેઝમેન્ટ સાથે.
કદાચ ઉઠે પછી ઉડીને એ
ઉપર જાય
તો તો
એને નવા જ સ્વાદવાળા
રસ મળવાના -
હું તો ધારું છું,
એને
મારા ઘર આજુબાજુના
પેલા જંગલી ડેઇઝી કરતા
વધુ ભાવશે
અમારા ચીફમેનેજરની
ઓફીસના ડેસ્ક પર શોભાયમાન
રૂપાળા ઓર્કિડનો રસ.

પણ રખે એને
આ નવા વિસ્તારમાં
સમયસર
ફુલોવાળું ઝાડ કે છોડ
શોધતા ન આવડે
તો તો 
એ મરવાનું નક્કી - 
એવું મધ્યમસરનુ અનુમાન  બાંધ્યું છે
એટલે પછી કોઈ આંગળી ન ચીંધે.

એ મરી જાય
એવું ધારીને
તાળો મેળવ્યો તોય
મારો સાઈકલ પ્રોજેક્ટ
સરવાળે environmentally sound રહે છે -
રખે તમે મને અસંવેદનશીલ કહેતા!

***

સાંજે
પાછો આવું છું
તો આ શું જોઉં છું?
કાઉન્ટી સરકારના
લેન્ડસ્કેપ કોન્ટ્રાક્ટરે
ઘર આજુબાજુ
કરી નાખ્યું છે મોવિંગ
અને
બધા ડેઇઝીનો
વાળી નાખ્યો છે
કચ્ચરઘાણ!

ફરી કરી લઇશ
બધી ગણતરીઓ
કેમ વળી, ફુદડાને બચાવ્યુંને ભૂખમરામાંથી?
જમે લેવાનું ને,
સાયકલ પ્રોજેક્ટ ખાતે!

***

કે પછી એની
થઇ ગઈ છે ઉત્ક્રાંતિ?
અને મારી જ સંવેદનશીલતા
રહી ગઈ છે પાછળ
આ  શહેરી સૃષ્ટી સમજવામાં?

શું
એને
ખબર જ હતી
કે દર વરસે
જુન મહિનાના
પહેલા અઠવાડિયે
નીકળે છે આ અર્બન જંગલનો
કચ્ચરઘાણ?

ને
એટલે જ
એ જાણીબુઝીને
સુઈ રહ્યું હતું
મારી સાઈકલની
ઘંટડી નીચે?

No comments:

Post a Comment