Saturday, May 4, 2013

કાચ

તમે રાખ્યા કરો
ચહેરો હસતો ને હસતો
જેમ તેમ કરીને,
અને એ પણ બનાવતો રહે
બેવકૂફ તમને
દર્પણ થઈ!

આંગળીઓ ઘસ્યાં કરો
એના ગાલ અને હોઠો ઉપર
તમે આખી રાત
ફેસબુક ખોલી ખોલીને,
પણ કશું સ્પર્શ્યાનો
રોમાંચ ન પામવા દે
આઈ-ફોનની એ
ટચસ્ક્રીન થઈ!

જોયા કરો ટગર ટગર
એક પછી એક દુકાનોમાં
સરસ શણગારેલી બધી વસ્તુઓને
ને લલચાઈ ને જાઓ અડવા
તો તો કપાળે ભટકાય
શોરૂમની એ
વિન્ડો થઈ!

નીકળી ગયા હો આગળ
એ જગાથી ક્યારના
નજર પણ  ચોંટી હોય ભવિષ્ય તરફ,
પણ વળી વળીને
પાછળ કશું રહી ગયાની
યાદ અપાવ્યા કરે
એ રીઅર-વ્યુ મિરર થઈ!

કોટ-ટાઈઓ
વીંટળાઈ વળે
લંબગોળ મેજ ફરતે
ને અંદર રહ્યે રહ્યે
શું બેવકૂફ બનાવતા હશે
શેર-હોલ્ડરોને
એ વિષે સદંતર રાખે અજાણ
કોર્પોરેટ હેડક્વાર્ટરની
એ વન-વે બારીઓ થઈ!

વાંચી વાંચીને
એના એ સમાચારો
આવતી હો ઘૃણા
રોજ સવારે વરસોથી
ને ધૂંધળી થતી આંખો
આશીર્વાદ સમી લાગવા માંડે,
ત્યાં જ  છાપાના
ઝીણામાં ઝીણા ફોન્ટ પણ
ફરીથી ખૂંચી જાય
એટલા સ્પષ્ટ-સુરેખ ઉપસાવે
એ બેતાળાં થઈ!

એની સાદગીમાં શાને છે
આટલી ખૂબસુરતી?
તમે વિચારતા હો
દિવસ-રાત
અચંબિત થઈ,
ને એક સવારે અચાનક
સાવ સાદી સફેદીમાં
ભંડારાઈ રહેલી રંગીની રેલાવી દે
એ પ્રિઝમ થઈ!

No comments:

Post a Comment