ખેતરે
બેય જણા
જોતરાઈએ
ત્યારે
પહોંચી વળાય
એ તો ગામડાગામમાં કોણ ન જાણતું હોય?
નીંદણ
ભાતું
ને એવું તો ઘણું ઘણુંય હોય
નાથિયો
કંટાળીને શહેર જાયને
કોઈ ઝુંપડપટ્ટીમાં જઈ વસે
અને એની
સાથે રેતી વેવવાનું
કામ ન કરીએ તો
નાથિયાને કડીયાકામ તો કોણ આપે?
એક દહાડીમાં તો શહેરમાં રહી રહ્યા!
ને એવું તો ઘણું ઘણુંય હોય
રખે નાણે નાથાલાલ
થઇ પણ જાય
તો તો તરત કહે
હવે તારે કામ કરવાની કોઈ જરૂર નથી
તું ઘરે જ રહે
અને મારે માટે સારા વાના
બનાવી બનાવી જમાડ.
આ છોકરા મોટા કર
ને એવું તો ઘણું ઘણુંય હોય.
ને વળી શેઠિયો
જો ભદ્રસમાજમાં ભમવા માંડે
તો એને વળી થાય કે
સ્ત્રીપુરુષ સમાનતા
માટે થઇ ને પણ
તારે કામ કરવું જોઈએ!
સારું ન લાગે
માત્ર ગૃહિણી
બની રહે તો.
કોઈ પ્રદર્શન ગોઠવ
કંઇક સમાજસેવા કર
ને એવું તો ઘણું ઘણુંય હોય.
એ જ નાથિયો
ઉંધા પગે ચાલતો
કે ગલોટિયા મારતો મારતો
ઘરેથી દેરા સુધી આવે
ને લાંબો થઇ પગે લાગવા
ત્રિશુળ કે તલવાર તણાવે
વાઘ પર કે કુકડા પર સવાર કરાવે
કોઈ દેરાના અંધકારમાં પધરાવે
ને એવું તો ઘણું ઘણુંય હોય.
નાથિયો સગવડિયો છે
એની ખબર તો તમને ક્યાંથી હોય?
એક જ જન્મારામાં આ બધા પ્રકારના નાથીયાની
સ્ત્રી થઇ ને રહ્યા છો કદી?
No comments:
Post a Comment